૧૫ ઓગષ્ટ – સ્વતંત્રતા દિવસ કે રાષ્ટ્ર ધ્વજનુ અપમાન કરવાનો દિવસ?
15મી
ઓગષ્ટ, 1947 એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે વર્ષો સુધી ગુલામ રહેલ
ભારત આઝાદ બન્યુ હતુ અને આપણા દેશે સ્વતંત્ર વાતાવરણમાંથી શ્વાસ લેવાનુ
ચાલુ કર્યુ હતુ. આજે ભારત દેશ સ્વતંત્ર થયે 65 વર્ષો વિતી ચુક્યા છે. ભારત
દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ
અધિકારોને મુળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે
અધિકારો વિના માનવ વિકાસ શક્ય નથી, આ કારણ થી જ આપણા બંધારણમાં નાગરિકોને
અધિકારો આપવામાં આવ્યા છે. અધિકારોની સાથોસાથ આપણા બંધારણમાં નાગરિકોના
કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. પરંતુ શુ આપણે જે રીતે અધિકારો ભોગવીએ છીએ તે જ
બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યો નિભાવીએ છીએ?
બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યોમાં રાષ્ટ્ર ધ્વજ માટે નીચે મુજબના બે વાક્યો પણ છે.
- રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગીત અને ભારતીય સંવિધાન પ્રતિ અપમાન પ્રદર્શિત ન થાય તેના પ્રત્યે સભાન રહેવુ.
- રાષ્ટ્રીય ધ્વજનુ પ્રદર્શન કરતી વેળા યોગ્ય વર્તન કરવુ.
ઉપરોક્ત
બન્ને કર્તવ્યોનુ પાલન થાય તે હેતુથી રાષ્ટ્રીય સમ્માનની અવમાનના પર રોક
સંબંધી કાયદો, 1971 તથા રાષ્ટ્રીય ધ્વજ સંહિતા એમ બે કાયદાઓ પણ બનેલા છે.
પણ શુ આપણે આ બન્ને કર્તવ્યો નિભાવીએ છીએ? ના. લગભગ 15મી ઓગષ્ટ તથા 26
જાન્યુઆરીના દિવસે જ મોટાભાગના લોકો આ કર્તવ્યો ભુલી જાય છે. 15મી ઓગષ્ટના
દિવસે દેશભક્તિ પ્રદર્શિત કર્યા બાદ નાના-નાના ધ્વજો જે-તે જગ્યાએ
ફેંકવામાં આવે છે. આ રીતે ધ્વજો નીચે પડ્યા હોવાથી તે જ ધ્વજ પર લોકોના
(ભારતીય નાગરિકોના) તેમજ પશુઓના પગ પણ પડતા હોય છે જે ખરેખર એક શરમજનક બાબત
છે. ચોંકાવનારી વાત એ છે કે આ કૃત્ય કરવામાં સરકારી કચેરીઓ અને શાળાઓ પણ
બાકાત નથી. 16 ઓગષ્ટના રોજ કોઇ શાળાની અથવા પોલીસ પરેડ ગ્રાઉન્ડની મુલાકાત
લેવાથી ખ્યાલ આવે છે કે આપણા રાષ્ટ્રધ્વજની શું હાલત છે.
સામાન્ય
માન્યતા મુજબ એવુ કહેવાય છે કે આપણા પર ટેલીવિઝન તથા ફિલ્મોની અસર ઝડપથી
થતી હોય છે પરંતુ રાષ્ટ્રધ્વજ સમ્માનની બાબતમાં આ વાક્ય મારા મતાનુસાર ખોટુ
પડે છે. ફિલ્મ નિદેશક મંધુર ભંડારકર દ્વારા “ટ્રાફિક સિગ્નલ” નામક એક
ફિલ્મ રજુ થઇ હતી જેમા ઉપર દર્શાવેલી રાષ્ટ્રધ્વજના અપમાનની વાત
દર્શાવવામાં આવી હતી. પરંતુ આજના યુવાનો આવી ફિલ્મોમાં રસ દાખવતા હોતા નથી,
તેઓને ફક્ત મારામારીના દૃશ્યો અથવા તો ઉત્તેજક દૃશ્યોની ફિલ્મો જોવામાં જ
રસ હોય છે અને તેને લીધે જ તેઓ “ટ્રાફિક સિગ્નલ” જેવી ફિલ્મોમાંથી ઉપર
દર્શાવેલ બાબત જોવાનુ ચુકી જાય છે.
આજકાલ
થિયેટરોમાં નવા ચલણ અનુસાર ફિલ્મ શરૂ થાય તે પહેલા “જન ગણ મન...” ગીત
વગાડવામાં આવે છે. આ ગીતમાં પણ 15-20% લોકો પોતાની સીટ પરથી ઉભા થવામાં
તકલીફ અનુભવતા હોય છે. જો કે, ત્યારબાદ ફિલ્મમાં મારામારીનુ કોઇ દૃશ્ય અથવા
તો ફિલ્મના નાયકની એન્ટ્રી થાય ત્યારે તેઓ ઉભા થઇ અને સીટી વગાડવાનુ ચુકતા
નથી.
સરકારે
તેમજ મિડીયાએ પણ ક્યારેય આ બાબત દર્શાવવાની તસ્દી લીધી નથી. મંધુર ભંડારકર
જેવા દિગ્ગજ નિદેશકે આ બાબતની દરકાર લીધી પરંતુ તેઓની આ ફિલ્મ કંઇ ખાસ સફળ
થઇ નહોતી કારણકે તેમાં દેશપ્રેમની વાત હતી. તેઓની જ એક ફિલ્મ “ચાંદનીબાર”
જેવા ગરમ દૃશ્યો જો આ ફિલ્મમાં રાખ્યા હોત તો તેઓની ફિલ્મ ચોક્કસ હીટ થઇ
જાત તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
આજના
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે ખાસ આ બ્લોગ લખવાનુ કારણ એ
કે ભવિષ્યમાં તેઓ સરકારી અમલદાર અથવા તો એક શિક્ષક બને અને પોતાની કચેરી
અથવા શાળામાં ધ્વજવંદનનો કાર્યક્ર્મ રાખે તો ઉપર દર્શાવેલી બાબતે ચોક્કસ
ધ્યાન આપે અને રાષ્ટ્રની ગરીમા સમાન રાષ્ટ્રધ્વજનુ સમ્માન જાળવે અને આ
બાબતે પોતાના સાથી કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓને પણ આ બાબતે સભાન
કરે તેવી આશા કરવામાં આવે છે.
જે
રીતે આપણે બંધારણના અધિકારો ભોગવીએ છીએ તે જ રીતે બંધારણના કર્તવ્યો/ફરજો
નિભાવવાની પણ એક જાગૃત નાગરિક તરીકેની આપણી નૈતિક જવાબદારી છે.
રાજ્યશાસ્ત્રના એક વિચારક અનુસાર જો આપણે આપણા કર્તવ્યો સંપૂર્ણપણે નિભાવીએ
તો સામેની વ્યક્તિને પોતાના અધિકારો આપોઆપ મળી જાય છે.
રાષ્ટ્રધ્વજ
તેમજ રાષ્ટ્રગીત એ આપણી રાષ્ટ્રીય સંપતિ છે અને આ સંપતિનુ જતન કરવુ એ આપણી
નૈતિક જવાબદારી છે તેથી મિત્રો, આજે જ સંકલ્પ કરો કે “હુ મારા રાષ્ટ્રના
રાષ્ટ્ર ધ્વજ તેમજ રાષ્ટ્રગીતનુ સંપૂર્ણપણે સમ્માન રાખીશ તેમજ બીજાઓને પણ આ
બાબતે જાગૃત કરીશ અને જો રસ્તા પર રાષ્ટ્ર ધ્વજ પડેલો દેખાશે તો શરમ
રાખ્યા વિના તેને ત્યાથી ઉપાડી અને યોગ્ય જગ્યારે જમીનથી ઉપર મુકીશ”
આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ... જય હિન્દ, જય ભારત.
નીચે આપેલ કમેન્ટ બોક્સમાં આપનો પ્રતિભાવ જરૂરથી આપશો. BY kaushik Parmar